Posted by: aektinka | જાન્યુઆરી 21, 2008

સ્મૃતિનો ભાર અને ભાવ_સુરેશ દલાલ

adilbanner2.jpg 

સ્મૃતિનો ભાર અને ભાવ_સુરેશ દલાલ

બિસ્તરમાં તારી યાદની પરીઓ ઢળી ગઇ;
આ દૃશ્ય જોઇ રૂમની બારી છળી ગઇ.

આકાશ લઇને માથા ઉપર છત ઢળી ગઇ,
 દીવાલ મારા મનના વિચારો કળી ગઇ.

એના બદનની આગથી ચાદર બળી ગઇ,
તકિયાને ટોળ કરવાની એક તક મળી ગઇ.

સિગારેટ એશ-ટ્રેમાં બુઝાઇ ગઇ, અને,
કોફીના કપમાં કાળી વ્યથા ઓગળી ગઇ.

પડછાયા સાથે ચાલતી શંકાની ડાકણો,
 શેરી સુધી ગઇ અને પાછી વળી ગઇ.

શેરીમાં અંધકારનાં કૂતરાં ભસી પડયાં,
આકાશથી પ્રકાશની ડાળો લળી ગઇ.

                        —આદિલ મન્સૂરી

આધુનિક ગુજરાતી ગઝલની વાત આવે ત્યારે સહુ પ્રથમ જે નામ જીભે ચડે તે આદિલ મન્સૂરીનું છે. સ્મૃતિ અનેક રંગે, અનેક રૂપે આવતી હોય છે. પતંગિયાં, ભમરા કે તમરાંની જેમ, કયારેક વાવાઝોડાની જેમ તો કયારેક વીજળીની જેમ ત્રાટકતી, તો કયારેક હવાની હળુહળુ વાતી લહરની જેમ આવતી હોય છે.
શાયરે અહીં સ્મૃતિનું એક રૂપાળું સ્વરૂપ આપ્યું છે. રાતનો સમય છે અને એ બિસ્તરમાં છે. પ્રિય વ્યકિતની યાદની પરીઓ ત્યાં ઢળેલી છે. સોળ, અઢાર કે વીસ વરસની વરચે જે કામુક સંવેદનો જાગે એનો અહીં અણસારો છે. બિસ્તરમાં કાવ્યનાયક છે અને એની આસપાસ સ્મૃતિની સોહામણી પરીઓ છે. અદૃશ્ય સ્મૃતિને પરીરૂપે પ્રગટ કરી છે અને આ દૃશ્ય જોઇને રૂમની બારી પણ છળી જાય છે. રોમેન્ટિક માહોલમાં આ ગઝલનો પ્રારંભ થાય છે. કશું ગુપ્ત નથી. કશું છાનુંછપનું નથી. આખા આકાશને પોતાના માથા પર લઇને ઢળેલી છત છે અને દીવાલો પર મનના વિચારો પામી જાય છે. દીવાલને કાન હોય છે પણ દીવાલ પાસે સામા માણસનું મન વાંચવાની સૂઝ છે. દીવાલને કાન હોય છે એ વાતને એને સાન પણ હોય છે એ રીત રજૂ કરી છે. ભારે નજાકતથી કવિ કામુક ચિત્રો ઉપસાવે છે. પ્રણયની વાતમાં અતિશયોકિત ન હોય તો કયાં હોઇ શકે? મળવાની ઝંખના અને એની આગ અને આ આગ પણ એવી કે ચાદરને બાળી શકે અને તકિયાને ટોળ કરવાની ક્રીડા કરવાની તક મળી જાય. શાયરી વિપ્રલંભશૃંગારની છે પણ સ્મૃતિની ઉત્કટતા એને સંભોગ-શૃંગારમાં ફેરવી નાખે છે.
પછી જે દૃશ્યો છે તે વાસ્તવિક દૃશ્યો છે. એ દૃશ્યોને કાવ્યનાયકના વર્તન દ્વારા રજૂ કર્યા છે અને સાંકેતિક રીતે પણ કેટલુંક કહ્યું છે. વિફળ પ્રેમની વાત આ શાયર આ રીતે કરે છે:
‘સિગારેટ એશ-ટ્રેમાં બુઝાઇ ગઇ,અને
કોફીના કપમાં કાળી વ્યથા ઓગળી ગઇ.’
વ્યથાનો જે રંગ છે એમાં જ વ્યથા છે. પ્રિય વ્યકિત સાથેનું મિલન ન થાય તો મનમાં કેટલીયે શંકાકુશંકાઓ જાગતી હોય છે. આ શંકા ભલભલાને વિરિછન્ન કરે એવી હોય છે. પડછાયા સાથે શંકાની ડાકણો ચાલે છે. શેરી સુધી જાય છે અને પાછા વળી જાય છે.
આ વિરહની રાતની વાત છે. શેરીમાં અંધકારનાં કૂતરાં ભસે છે. રાત વીતે છે, કવિ વીતતી રાતની વાત આ રીતે કહે છે:
આકાશથી પ્રકાશની ડાળો લળી ગઇ.
આદિલની આ ગઝલ અભિવ્યકિતની દૃષ્ટિએ આપણી પરંપરાગત ગઝલ કરતાં કેવી રીતે જુદી પડે છે એ બતાવવાની જરૂર નથી. અહીં કોઇ સાકી-સુરા કિનારો-મઝધાર એવી ચીલાચાલુ વાત નથી. આધુનિક ગઝલની અભિવ્યકિતની સાથે હરીન્દ્ર દવેનું પરંપરાશીલ ગીત જોઇએ:
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
કયાંક પંખી ટહૂકયું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યા.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં, જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઇ ઠાલું મલકયું ને તમે યાદ આવ્યાં, જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઇ આંગણ અટકયું ને તમે યાદ આવ્યાં, જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું પડયું ને તમે યાદ આવ્યાં.
(દિવ્ય ભાસ્કર Monday December 3_ 2007)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: