માણેક ચોકમાં
દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેક ચોકમાં.
બુધ્ધિએ છેતરાય છે માણેક ચોકમાં.
સ્વપ્નાઓ નંદવાય છે માણેક ચોકમાં,
ને ઉર્મિઓ ઘવાય છે માણેક ચોકમાં.
પત્થર સમયના ફોડતા ખરબચડા હાથને,
રેશમનો સ્પર્શ થાય છે માણેક ચોકમાં.
જોવા મળ્યા આ શહેરમાં એવાયે લોક જે,
જીવન વટાવી ખાય છે માણેક ચોકમાં.
એ બાજુ જાવતો તમે સંભાળજો જરા,
સોનું સતત કસાય છે માણેક ચોકમાં.
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી,
વેચાઈ પણ જવાય છે માણેક ચોકમાં.
અત્યંત ખાનગી હશે જે વાત એ વિષે,
જાહેર સભા ભરાય છે માણેક ચોકમાં.
કિલ્લાનાં કાંગરાઓથી ઉતરેછે જયારે સાંજ,
રાત્રી જવાન થાય છે માણેક ચોકમાં.
રંગીન પાલવોમાં પવન મ્હેક પાથરે,
એ વિસ્તરી છવાય છે માણેક ચોકમાં.
ઉઘડે ભલેને રોજ દુકાનો નવી નવી,
કબરોય પણ ચણાય છે માણેક ચોકમાં.
_ આદિલમન્સૂરી
(પગરવ_ 56)
Posted in ગઝલ