ઝૂલ્ફોનુ સિલ્ક ફરકે

(બંબઈ રાતકી બાહોંમેં)
ઝૂલ્ફોનુ સિલ્ક ફરકે છે ભીંડી બજારમાં.
ઇચ્છાનો હાથ સ્પર્શે છે ભીંડી બજારમાં.
મીંચાઈ સ્પર્શ સૂર્યની તગતગતી આંખ તો,
ચહેરાના ચાંદ ચમકે છે ભીંડી બજારમાં.
પાગલને શું થયું છે કે રસ્તો ભૂલી જઇ,
એનો અવાજ શોધે છે ભીંડી બજારમાં.
જોયા કરછે સૂર્ય તો ઝરમરતા આભને,
તડકાનો દેહ પલળે છે ભીંડી બજારમાં.
સપનાં ખરી પડયાં જે દીવાલોની આંખથી,
એ ધૂળ થઇને ઊડે છે ભીંડી બજારમાં.
ખંડિત સમયના પથ્થરો રાખીને હાથમાં,
આ શહેર આખું ખખડે છે ભીંડી બજારમાં.
કોનો અવાજ રાતે વિંધીને આવતો !
શું અન્ધકાર કણસે છે ભીંડી બજારમાં.
(સતત_29)
Posted in ગઝલ